પ્રભુ તમારા પગલે પગલે...દિવસ 5
આ લેખો, પ્રભુ મહાવીરની વિચરણ ભૂમિઓમાં અમારી યાત્રાના અનુભવચિત્રોનો તથા સંસ્મરણોનો સમાવેશ કરે છે. 

પહેલા લેખમાં,  
મેં આ યાત્રાનો આશય, સંશોધનો આદિનું વર્ણન કર્યું છે. બર્ધમાન -અસ્થિકગ્રામ (પ્રભુની પ્રથમ ચાતુર્માસ ભૂમિ તથા શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ), કોપાઈ નદી (અર્ધ દેવદૂષ્ય ત્યાગ) ના સફરની સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો - તેને વાંચવા અહીં ક્લિક કરો.

બીજા લેખમાં જોગી પહાડી (ચંડકૌશિક પ્રતિબોધ ભૂમિ), અમુઆ-સૈંથિયા (પ્રદેશી રાજા સ્વાગત ભૂમિ), મયૂરાક્ષી નદી તથા દેવઘર (પ્રભુના પ્રથમ ચાતુર્માસના પ્રથમ 15 દિવસની સ્થિરતા ભૂમિ) ના સફરની સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો - તેને વાંચવા અહીં ક્લિક કરો.

ત્રીજા લેખમાં પ્રભુની 2 ચાતુર્માસ ભૂમિ (ચંપાપુરી), 3 કલ્યાણક ભૂમિ (ક્ષત્રિયકુંડ) તથા સમવસરણ ભૂમિ (કાકંદી) ના સફરની સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો - તેને વાંચવા અહીં ક્લિક કરો.

ચોથા લેખમાં પાટલીપુત્ર તીર્થ, પ્રભુની 13 ચાતુર્માસ ભૂમિ (વૈશાલી), તથા ઇતિહાસકારોના મત મુજબ પ્રભુ વીરની જન્મભૂમિ (બાસુકુંડ) ના સફરની સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો - તેને વાંચવા અહીં ક્લિક કરો. 


Wednesday, 17th October 2018

ધારો કે એક દિવસ તમને ગિરનારજીનો મહિમા જાણી પ્રથમ વાર યાત્રા કરવાની ભાવના જાગી. ત્યાં જવા તમે ગાડીની બુકીંગ કરાવા ગયા, પણ તમને જાણવા મળ્યું કે ત્યાં જવાનો રસ્તો બધા ભૂલી ગયા છે; ઘણાને તો ગિરનારમાં શું છે તેની પણ જાણ નથી. તમે આશ્ચર્ય પામીને ટ્રેનમાં સફર કરવાનું નક્કી કર્યું. તમારા સ્નેહી-સ્વજનો-સ્થાનીય પેઢીમાં ગિરનાર નજીકનું રેલવે સ્ટેશનની પૃચ્છા કરવા ગયા - બધેજ નકારાત્મક જવાબ મળ્યા. તમે વધુ આશ્ચર્ય પામ્યા. તમે પૂજ્ય ગુરુભગવંતોને પૂછવાનું વિચાર્યું; તમને ખાતરી હતી કે તેઓ રસ્તો બતાવીજ આપશે, ત્યાંથી પણ જયારે દુઃખપૂર્વક જવાબ મળ્યો કે તે તીર્થ "વિચ્છેદ" પામ્યું છે ત્યારે તમને આઘાત લાગ્યો !

આવું કશુંજ નથી થયું પણ આવી લાચારીનો અનુભવ શ્રી લલિત કુમાર નહાટા નામના સુશ્રાવકને 1993 માં થઇ જયારે તેમણે બધી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરવાનું નક્કી કર્યું. યાત્રાની રૂપરેખા બનાવતા તેમને જાણ થઇ કે (અષ્ટાપદ સિવાય) ભારતના નક્શેથી 12 કલ્યાણકોથી શુશોભિત 2 ભૂમિઓ - શ્રી મિથિલા તીર્થ તથા શ્રી ભદ્દીલપુર તીર્થ ભારતના નક્શેથી ગાયબ થઇ ગયા હતા. તે ભૂમિઓનું અસ્તિત્વ તે હદ્દ સુધી ભુંસાણુ હતું કે તેનું વાસ્તવિક સ્થળ ગોતવું અશક્ય બની ગયું હતું. તેમને આઘાત લાગ્યો જયારે તેમને વડીલો તથા ગુરુભગવંતોથી જાણવા મળ્યું કે બન્ને તીર્થો 150-200 વર્ષ પહેલા વિચ્છેદ પામ્યા હતા. બીજું કોઈ હોત તો મિથિલા તથા ભદ્દીલપુર છોડીને બીજી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરીને સંતોષ માની લેત; પણ શ્રી લલિતજીએ વર્ષોના અથાગ સંશોધનો પછી આ ભૂમિઓની માત્ર ખોજ ન કરી; સાથે-સાથે ત્યાં નૂતન જિનમંદિરો-ધર્મશાળાઓ સ્થાપીને આ બન્ને પાવન ભૂમિઓમાં ઉત્તમ આલંબન પ્રાપ્ત કરાવ્યા.


શ્રી મિથિલા તીર્થનું નિર્માણાધીન જિનાલય તથા તેને ફરતી નૂતન ધર્મશાળા (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

શ્રી મલ્લિનાથ પ્રભુ તથા શ્રી નમિનાથ પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા તથા કેવળજ્ઞાન કલ્યાણકોથી શ્રી મિથિલા તીર્થ વરેલું છે. વીર પ્રભુના આંઠમાં ગણધર શ્રી અકંપિતસ્વામી તથા જનક રાજાની સુપુત્રી સીતાનું પણ જન્મસ્થાન હોવાનું સદ્ભાગ્ય આ ભૂમિને પ્રાપ્ત થયું છે. ઉપરાંત પ્રભુ મહાવીરે અહીં 6 ચાતુર્માસ વ્યતીત કર્યા હતા. મિથિલાના નામે પ્રાચીન જૈન શ્રમણોની શાખા "મૈથિલીયા" નામે પણ પ્રસિદ્ધ બની હતી. ચૌદમા સૈકામાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચિત "શ્રી વિવિધ તીર્થકલ્પમાં" ઉલ્લેખ છે કે મિથિલા તીર્થ, તીરહુત રાજ્યમાં બાણગંગા તથા ગંડકી નદીના સંગમના કિનારે, 'જગઇ' ગામમાં સ્થિત હતું. ત્યાં શ્રી મલ્લિનાથ પ્રભુ તથા શ્રી નમિનાથ પ્રભુના 2 જિનાલય હતા. તીર્થકલ્પમાં તે પણ ઉલ્લેખ છે કે ગામના “સાકુલ્લા કુંડમાં” સીતાની લગ્નભુમિ હતી. 17મી સદીમાં પન્યાસ શ્રી વિજયસાગરજી મહારાજા તથા 18મી સદીમાં પન્યાસ શ્રી સૌભાગ્યવિજયજી દ્વારા રચિત ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થને સીતામઢી સમીપ બતાવ્યું છે. તેમણે નોંધ્યું છે કે અહીં જૈનોની વસ્તી ન હોવાથી માત્ર બન્ને પ્રભુજીના ચરણ પાદુકા બિરાજમાન હતા. (સંશોધકોનું માનવું છે કે 'જગઇ' નું અપભ્રંશ જગદીશપુર હોય શકે જે સીતામઢી સમીપ છે). કાળાન્તરે મિથિલામાં જૈન વસ્તીનો લોપ થયો અને સાથે સાથે યાત્રિકોની અવર જવર પણ બંધ થઇ. અહીંના ચરણપાદુકા ભાગલપુર લઇ જવામાં આવ્યા અને જૈનો મિથિલાને ઇતિહાસ સમજીને ભૂલી ગયા. 

આ સમસ્ત પુરાવા તથા સંશોધનોને ધ્યાનમાં રાખીને શ્રી લલિતકુમાર નહાટાએ મિથિલા તીર્થની ખોજ બિહાર-નેપાલ બોર્ડર સમીપ સીતામઢીથી લગભગ 5 કિલોમીટર દૂર ડુમરા માર્ગ પર કરીને નૂતન બે માળનું જિનાલય બનાવવાનો નિશ્ચય કર્યો. 23 જાન્યુઆરી 2015 ના રોજ સમસ્ત જિનબિંબોની ચલ પ્રતિષ્ઠા કરવામાં આવી જેની નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા લગભગ 2019માં કરવામાં આવશે. આવા અનુપમ તીર્થની સ્પર્શના તથા વીર પ્રભુના 6 ચાતુર્માસના સ્પંદનો લેવા માટે અમે આગલી રાતે સીતામઢી પહોંચ્યા. 2 માળના ભવ્ય નિર્માણાધીન જિનાલયને ફરતી ધર્મશાળા છે જેના પ્રથમ માળે અમારો ઉતારો હતો. સર્વસુવિધા યુક્ત રૂમો હોવા છતાં, વીજળીનું કનેક્શન ન હોવાથી આખી રાત પંખા વિના, મચ્છરોના ઘનઘોર ઉપદ્રવ વચ્ચે કાઢી. સમસ્ત શરીરને ચાદરથી ઢાંક્યા હોવા છતાં મોઢે પણ ડંખ મારીને મચ્છરોએ સુવા દીધું નહિ. નજીકના દુર્ગા પૂજા પંડાલમાં આખી રાત ભોપું વાગતું રહ્યું. ઊંઘ આવી અશક્ય હતી; સવારની રાહ જોતા રાત ઘણી લાંબી લાગી. ત્યારે વિચાર આવ્યો કે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો આવીજ પરિસ્થિતિઓમાં કેટલી રાતો સમતા રાખીને ઉચ્ચ કક્ષાની જીવદયાનું પાલન કરતા હશે; અને અમે થોડી તકલીફને પણ સહન કરવામાં અસમર્થ હતા !

મિથિલા તીર્થના મૂળનાયક પ્રભુ (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

સૂર્યોદય થતા નિરાંત થઇ. સ્નાન કરીને સીધા ધર્મશાળાના એક હોલમાં સ્થિત પરોણાગત જિનાલયમાં પહોંચ્યા. સુંદર આરસની દેરીમાં બન્ને મૂળનાયક શ્રી મલ્લિનાથ પ્રભુ તથા શ્રી નમિનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી તથા તેમના કલ્યાણકોની સ્મૃતિમાં ચરણ પાદુકાઓની 8 જોડ બિરાજમાન કરવામાં આવી હતી. સાથે તેમના યક્ષ યક્ષિણીઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. તીર્થમાં એકલા યાત્રિક હોવાથી બધીજ પૂજાના લાભ મળ્યા. માત્ર પ્રભુ વીરના 6 ચાતુર્માસના સ્મૃતિરૂપ તેમની પ્રતિમાજીના આલંબનનો અભાવ લાગ્યો. મારા વિચાર મુજબ પ્રભુ વીરની દરેક વિચરણ-ચાતુર્માસ તથા ઉપસર્ગ ભૂમિઓમાં સ્મૃતિરૂપ તથા સ્થળોને અનુરૂપ એક દેરીમાં સ્તૂપ અથવા તે ઘટનાની રચના કરવામાં આવવી જોઈએ જેથી યાત્રિકોને તે ભૂમિનું મહત્વ તથા એક આલંબન પ્રાપ્ત થાય શકે.

આજે શ્રી દેવાંગભાઈએ તેમના સુપુત્ર ચૈત્યકુમારના 5માં જન્મદિવસના ઉપલક્ષે દાદાની સરસ આંગી કરી. અષ્ટપ્રકારી પૂજા, આંગી, પ્રભુ ભક્તિ, લઘુ સિદ્ધચક્ર પૂજન તથા પ્રભુ વીરનું સ્મરણ કર્યા બાદ અમે મિથિલાથી આજીવક સંપ્રદાયની બરાબર ગુફાઓ તથા બૌદ્ધોના પ્રમુખ તીર્થધામ બોધ ગયા જવા માટે 260 કિલોમીટર લાંબા સફરનો પ્રારંભ કર્યો. હવે આપ વિચારશો કે પ્રભુ વીરની વિચરણ ભૂમિઓની સ્પર્શના કરતા આજીવક તથા બૌદ્ધોના સ્થળે ક્યાં પહોંચી ગયા! એની માટે આપણે પ્રભુ વીરના સમયમાં જઈને તે સંપ્રદાયોનો જૈન ધર્મ સાથેનો સંબંધ જાણવાનો પ્રયત્ન કરીયે. 

આજીવક સાધુઓ (તસ્વીર: વિકિમીડિયા કોમન્સ)

પ્રાચીન બૌદ્ધ તથા જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે 2500 વર્ષ પૂર્વે, શ્રમણ પરંપરાના 7 મુખ્ય ધર્મોપદેશકો ભારતવર્ષમાં વિચારતા હતા. તેમાંથી 4 ધર્મગુરુઓ તથા તેમના મત નીચે પ્રમાણે છે –
  • પૂરણ કાશ્યપ - અક્રિયાવાદ (સારા કે ખરાબ કામ કરવાથી શુભ અથવા અશુભ કર્મનું બંધન નથી થતું) 
  • અજિત કેશકંબલ - ભૌતિકવાદ (સુખ ભોગવિલાસમાં જીવન વ્યાપ્ત કરવું જોઈએ ; મૃત્યુ પછી બધું નાશવંત છે) 
  • સંજય વેલાષ્ટપુત્ર - અજ્ઞાનવાદ (કોઈ સર્વોપરી દિવ્ય શક્તિ છે કે નહીં તેની જાણ નથી) 
  • કકૂદકાત્યાયન - સતકાયવાદ (પદાર્થ, આનંદ, પીડા અને આત્મા શાશ્વત છે. તેનો એક બીજા સાથે કોઈ સંબંધ નથી) 

આ ચારેય ધર્મગુરુઓ ઘણા સમ્માનિત હતા તથા તેમના અનેક અનુયાયીઓ પણ હતા; પરંતુ કાલાંતરે સિદ્ધાર્થ ગૌતમ, મંખલિપુત્ર ગોશાલ તથા નિર્ગ્રંથ જ્ઞાતપુત્રે જે ધર્મ/સંઘોની સ્થાપના કરી તેનું પ્રચલન વધુ થયું. અગાઉ વાક્યમાં જે "નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર" નું નામ બતાવ્યું છે તે હતા પ્રભુ મહાવીર. પ્રાચીન કાળમાં જૈન ધર્મને "નિર્ગ્રંથ” નામે જાણવામાં આવતો અને પ્રભુ વીરને તેમના જ્ઞાત્રકુળથી "જ્ઞાતપુત્રની" ઉપમા દેવામાં આવતી. એટલે તે કાળે પ્રભુને "નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર" ના નામથી ઓળખવામાં આવતા. માત્ર બૌદ્ધ અને અન્ય ધર્મગ્રંથોમાં નહીં, પણ જૈનોના પ્રાચીન આગમો - આચારંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરધ્યાયન સૂત્ર આદિમાં પણ પ્રભુને “જ્ઞાતપુત્ર” ના નામ થી સંબોધવામાં આવ્યા છે જેની જાણ આજના મોટા ભાગના જૈનો ને નથી. હવે નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર (એટલે પ્રભુ વીરને) ના વિષે તો આપણે જાણીયેજ છે એટલે બાકી બે ધર્મગુરુઓનો (મંખલિપુત્ર ગોશાલ તથા સિદ્ધાર્થ ગૌતમ) મત તથા તેમનો જૈન ધર્મ સાથે સંબંધ સમજીયે.

જૈનોમાં મંખલિપુત્ર ગોશાલ, ગોશાળાના નામથી પ્રસિદ્ધ છે. ગોશાળ તથા તેમના ‘આજીવક’ મતનો પરિચય ભગવતી સૂત્ર તથા ઉવાસગદસાઓ જેવા પ્રાચીન આગમોમાં અધિક્યથી પ્રાપ્ત થાય છે. ગોશાળાના પિતા ‘મંખ’ જાતિના (એક પ્રકારના ભિક્ષુક ચારણ) હતા તથા માતાનું નામ ભદ્રા હતું. શરવણગ્રામ (આજના બિહારનું સરવન) ની એક ગૌશાળામાં જન્મ થવાથી તેમનું નામ ગોશાલક રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં ભિક્ષા ગ્રહણ કરતા ગોશાળાની મુલાકાત પ્રભુ વીર સાથે નાલંદામાં થઇ. પ્રભુ વીરના અતિશયોથી પ્રભાવિત થઈને તેમના શિષ્ય બનવાની ગોશાળાએ માંગણી કરી. પહેલા તો પ્રભુએ સ્વીકૃતિ આપી નહિ પણ અમુક મહિના પછી ગોશાળાની વારંવાર વિનંતીથી તેને શિષ્ય બનાવ્યા. પ્રભુ વીરના છદ્મસ્થ અવસ્થાના 13 વર્ષોમાં ગોશાળ તેમની સાથે લગભગ 8 વર્ષ રહ્યા. તે કાળ દરમ્યાન તેમણે નિયતિવાદ (જે થવા કાળ હશે તે થશેજ, તેની માટે પુરુષાર્થની આવશ્યકતા નથી) તથા પરિવર્તવાદ (જીવો મરીને તેજ શરીરમાં ઉત્પન્ન થાય) જેવા મતો ઉપર શ્રદ્ધા બેઠી. ઉપરાંત તે સમયમાં ગોશાળાએ અનેક લોકોની મશ્કરી કરીને હેરાન કર્યા. એક વાર એક તાપસયોગીની મશ્કરી કરી તેના બદલામાં તાપસે તેજોલેશ્યાનો હુમલો કર્યો. હવામાં ઉડતા આગના ભડકાથી બચવા ગોશાળા પ્રભુ પાસે દોડ્યા; પ્રભુની આંખમાંથી તત્કાળ શિતલેશ્યાની અમૃતની ધારા વરસી અને ગોશાળના પ્રાણ બચી ગયા. આ દ્રશ્ય જોઈને ગોશાળને તેજોલેશ્યા સાધવાનું મન થયું અને પ્રભુ પાસેથી વિધિ જાણી. 

બરાબર સ્થિત અજીવકોની ગુફાઓ

ચમત્કારી વિધિ જાણીને ગોશાળ પોતાને અર્હત, કેવલી તથા સર્વજ્ઞ બતાવવા લાગ્યા અને પ્રભુથી અલગ થઈને પ્રભુની વિરુદ્ધ સિદ્ધાંતોનો (આજીવક મત) પ્રચાર કર્યો. શ્રાવસ્તી નગરીમાં હલહલા નામક કુંભારણના હાટમાં રહીને, અષ્ટાંગ મહાનિમિત્તના કઈંક જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત તથા મરણ જેવી 6 બાબત વિષે સાચા ઉત્તર આપતા. આથી તેમની યશકીર્તિ વધી અને તેમના અનેક શિષ્યો થયા. ભગવતી સૂત્રના હિન્દી ભાષ્યકાર આચાર્ય મહાપ્રજ્ઞએ જણાવ્યું છે કે તે સમયે ગોશાળાની એટલી યશ કીર્તિ હતી કે તેમના સંઘમાં 11,61,000 અનુયાયીઓ હતા જયારે પ્રભુ વીરના સંઘમાં માત્ર 1,59,000 અનુયાયીઓ હતા. બૌદ્ધોના "અંગઉત્તરા નિકાય" ગ્રંથમાં પણ જાણવા મળે છે કે બૌદ્ધ ધર્મને જ્ઞાતપુત્ર (પ્રભુ વીર) ની તુલનામાં ગોશાળથી વધુ ખતરો હતો.

કેવલી થયા બાદ જયારે પ્રભુ વીર શ્રાવસ્તીમાં પધાર્યા ત્યારે તેમના શિષ્યોએ જોયું કે ગોશાળ પોતાને અર્હત કહીને જણાવે છે ; આ વાતનું મિથ્યાત્વ હોવાનું સ્પષ્ટીકરણ જયારે પ્રભુએ કર્યું ત્યારે શ્રાવસ્તીના વાસીઓએ તેની જાણ ગોશાળાને કરી. લોકોની વાત સાંભળી, ગોશાળ ક્રોધિત થઈને પ્રભુની પર્ષદામાં આવ્યા; પ્રભુને કટુવચનો કહી તેમના બે શિષ્યોને તેજોલેશ્યાથી બાળીને ભસ્મીભૂત કરી દીધા. પ્રભુ ઉપર પણ જયારે ગોશાળાએ તેજોલેશ્યાથી પ્રહાર કર્યો ત્યારે તે જ્વાલા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ ગોશાળાનેજ લાગી. તેજોલેશ્યાથી પીડિત થઈને 7 દિવસ પછી અંતિમ સમય જાણી નું ગોશાળાએ પશ્ચાતાપ કરીને દેવલોક ગમન કર્યું. ભગવતી સૂત્રમાં પ્રભુ મહાવીર ગૌતમ સ્વામીને ફરમાવે છે કે ગોશાળ ઘણા ભવ નારકી, મનુષ્યલોક તથા દેવલોકમાં વ્યતીત કરીને મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા લઈને નિર્વાણ પદ પ્રાપ્ત કરશે

પ્રભુ વીરને ગોશાળા દ્વારા ઉપસર્ગ

ગોશાળાના દેવલોક ગમન પછી પણ આજીવક સંપ્રદાયની વૃદ્ધિ થઇ. નંદ તથા મૌર્ય સામ્રાજ્યોમાં આજીવકોને સમ્માન પ્રાપ્ત થયું. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારે આજીવક ધર્મ અંગીકાર કરીને રાજધર્મનું સમ્માન આપ્યું. તેમના પુત્ર સમ્રાટ અશોકે અજીવકો માટે સાધના કરવા ગયાની સમીપ પર્વતો મધ્યે ઉત્તમ ગુફાઓ બનાવી આપી (જેને આજે બરાબર ગુફાઓના નામથી ઓળખવામાં આવે છે). દિલ્લી ટોપરા સ્થિત અશોકના સાતમાં સ્તંભમાં પણ બૌદ્ધો, નિર્ગ્રંથો સાથે આજીવક સંપ્રદાયનું નામ છે. ઉપરાંત શ્રીલંકા સ્થિત સિંહાલ રાજ્યના પાંડુકાભ્ય રાજાએ અજીવકો માટે સાધના ભૂમિનું નિર્માણ કરાવી આપ્યું હતું. તામિલો ના સીલપટ્ટકમ તથા મણિમૈકાલય નામના કાવ્યોમાં દક્ષિણ ભારતમાં આજીવક ધર્મની પ્રસસિદ્ધિનો પુરવાર આપે છે. ઉલ્લેખનીય એ પણ છે કે આજીવક શ્રમણોની વેશ-ભુષા તથા આચારો જૈનોના નિર્ગ્રંથ સાધુઓ સાથે મળતા આવતા. આટલી પ્રસિદ્ધિ પામ્યા છતાં પણ 5મી સદી પછી અજીવકોનો લોપ થયો.

સુલતાનપુર સ્થિત પર્વત શૃંખલા જ્યાં બરાબર ગુફાઓ સ્થિત છે 

સમ્રાટ અશોક દ્વારા અજીવકોને આપેલી બરાબર નામની ગુફાઓને જોવા અમે મિથિલાથી નીકળીને 170 કિલોમીટર લાંબો સફર કરતા અમને 4 કલાક લાગ્યા. સવારે નવકારશી કર્યા વગર નીકળ્યા હતા એટલે ભૂખ તો ઘણી લાગી હતી પણ આખા રસ્તે ક્યાંય શાકાહારી ભોજન પ્રાપ્ત થાય તેમ ન હતું. છેવટે ધનારુંઆ નામના ગામમાં "ગાયત્રી કિચન" નામનું શુદ્ધ શાકાહારી ભોજનાલય મળ્યું જ્યાં સવારની લાગેલી ભૂખ શાંત થઇ. ચૈત્યકુમારનો 5મોં જન્મદિવસ હોવાથી બધાને 'લાઈ' નામની સ્થાનીય મીઠાઈનું વિતરણ કર્યું (બર્થડે કેક તો દૂર ચૈત્યકુમારે જન્મથી લઈને ક્યારેય કાચુ પાણી વાપર્યું નથી અને રાત્રી ભોજન પણ કર્યું નથી!). ધનારુંઆ ગામ થી "બરાબર ગુફાઓ" પહોંચતા 2 કલાક લાગી. ગ્રેનાઈટની મોટ્ટી ચટ્ટાનોથી શોભાયમાન પર્વત શૃંખલાઓ વચ્ચેથી પસાર થઈને અમે ગુફાઓ સુધી પહોંચ્યા. 

કર્ણ ચૌપાર ગુફા (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

ભારતની સર્વ પ્રથમ "રોક કટ" ગુફાઓ (પથ્થરની એક શીલાના અંદરથી કંડારેલી ગુફા) હોવા છતાં પુરાતત્વ વિભાગે અહીંની ખાસ સંભાળ લીધી નથી; ટિકિટ બારી ન હોવાથી વગર પૈસે પરિસરમાં જવાય છે. ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. ગુફા સુધી પહોંચવા અમને એક નાની પહાડી ચઢવી પડી. વચ્ચે એક હિન્દૂ મંદિરમાં પ્રાચીન હિન્દૂ તથા બૌદ્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે. વૃક્ષોની હારમાળા વચ્ચે 50-60 પગથિયાં ચઢ્યા બાદ પ્રથમ "કર્ણ ચૌપાર" ગુફા આવી. રાજ્યાભિષેકના 19માં વર્ષે (2જી સદીમાં) અશોક દ્વારા નિર્મિત "કર્ણ ચૌપાર" ગુફાનો ઉપયોગ આજીવકો તથા બૌદ્ધોએ ચાતુર્માસ વિતાવવા કર્યો હતો. પ્રવેશદ્વાર છોડીને ઉજાસનો કોઈ બીજો સ્ત્રોત ન હોવાથી ગુફા અંધકારમય રહે છે, પરંતુ 1800 વર્ષ પહેલા કરેલું ગ્રેનાઈટ પોલિશનું કામ એટલું જોરદાર છે કે મોબાઈલની ટોર્ચ ખોલતા દીવાલો ચમકી ઉઠે છે. ગુફામાં ગુરુઓને બિરાજમાન થવા માટે એક ઊંચુ આસન પણ બનાવવામાં આવ્યું છે તથા પ્રવેશદ્વાર સામે બૌદ્ધો તથા હિંદુઓ દ્વારા પાછળના કાળમાં કોતરેલી મૂર્તિઓ જોવા મળે છે. 

સુદામા ગુફા (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

"કર્ણ ચૌપાર" થી હજી થોડા પગલાં ચઢીને અમે મગરમચ્છ આકારની "સુદામા ગુફા" પહોંચ્યા. રાજ્યાભિષેકના 12માં વર્ષે સમ્રાટ અશોક દ્વારા નિર્મિત આ ગુફા સહુથી પ્રાચીન છે. આ ગુફામાં 700 વર્ષોથી પણ વધારે આજીવક શ્રમણોએ સાધના કરી હતી તથા અંત સમય જાણીને સંથારો ગ્રહણ કર્યો હતો. આજીવકોના લોપ બાદ આ ગુફામાં નિર્ગ્રંથ શ્રમણો તથા બૌદ્ધ ભિખ્ખુઓએ અનેક ચાતુર્માસ વિતાવ્યા હતા. આ ગુફાની છત કમાન આકારની છે તથા અંદર હજી એક ગોળાકાર ખંડ બનેલું છે. મંડપમાં લંબચોરસ ઓરડો છે. ગુફાની આંતરિક દિવાલોમાં વિશિષ્ટ તકનીક દ્વારા કરેલા પોલિશથી "મિરર ઇફેક્ટ" જોવા મળે છે. બીજી તરફ, સીધી સપાટીઓ અવાજને ફરીથી ફેરવી દે છે જેના કારણે પડઘાનો સુંદર અસર થાય છે (આ લાક્ષણિકતા બરાબરની બધી ગુફાઓમાં સામાન્ય છે). જાપ કરવા માટે ઉત્તમ સ્થાન જાણીને અમે અંદરના ખંડમાં પદ્માસન મુદ્રામાં બેઠા. મોબાઈલમાં તાનપુરો ચાલુ કરીને તેના સૂરમાં સુર મિલાવી નવકારનો ભાષ્ય જાપ કર્યો; અવાજના એક એક પડઘમમાં પંચ પરમેષ્ઠીને સમીપ મેહસૂસ કર્યા. અંધકારમાં આંખ બંધ હોવા છતાં દિવ્ય પ્રકાશ નિહાળ્યો; એક અલગજ આલ્હાદ્કતા મેહસૂસ કરી. આજ સુધી અનેક જિનાલયો તથા તીર્થોમાં નવકાર જાપ કર્યા છે પણ આવા પરમ આનંદનો આભાસ પ્રથમ વાર થયો

સુદામા ગુફામાં નમસ્કાર મહામંત્રનો જાપ

જાપની દિવ્ય ધ્વનિમાં પાવન થઈને અમે અશોકના પુત્ર દશરથ દ્વારા (3જી સદીમાં) નિર્મિત "લોમસ ઋષિ" ગુફાએ પહોંચ્યા. આ ગુફામાં મૌર્યોનું પ્રતીક - "ચૈત્ય દ્વાર" હોવાથી તે વધારે પ્રખ્યાત છે. દ્વારના મુખમાં એક કમાન આકારની ડિઝાઇન છે જેમાં સુંદર વળાંક સાથે બારણાની પરિધિ પર હાથીઓની પંક્તિ એક સ્તૂપની દિશામાં આગળ વધે છે. ઉલ્લેખનીય છે કે અજીવકોનું પ્રતીક હાથીનું ચિન્હ હતું. આ ગુફાના પણ બે ખંડ છે; પરંતુ અંદરના ખંડમાં પોલિશ કામ નથી કરવામાં આવ્યું જેના કારણે ઇતિહાસકારો અનુમાન લગાવે છે કે આ ગુફાનું કામ અડધું મુકવામાં આવ્યું હશે. દ્વાર પર રાજા અનંતવર્મન નું 5મી સદીનું એક શિલાલેખ પ્રાપ્ત થાય છે જેમાં તેના ગુણોનું વર્ણન છે. અંદરના ખંડમાં ત્યાંના સંચાલકે એક દીવો પ્રગટાવી રાખ્યો હતો જેના કારણે ગુફાની જીવંત પ્રાચીનતા નો અનુભવ થઇ રહ્યો હતો. બારે સંધ્યા ઢળવાથી પવન ઠંડો થઇ રહ્યો હતો. તે ક્ષણોનો અનુભવ એટલો અદભુત હતો કે એવું લાગતું હતું કે અમે પણ તે કાળમાં પહોંચી ગયા હતા. ગુફામાં ઘણો સમય વ્યતીત કર્યા બાદ અમે આજીવકોની સાધના ભૂમિથી વિદાઈ લીધી. 

લોમસ ઋષિ ગુફાનું ભવ્ય ચૈત્ય દ્વાર

પ્રભુ વીરના સમકાલીન ગુરુઓના સફરમાં અમે "બરાબર ગુફાઓથી" ગૌતમ બુદ્ધની બોધીપ્રાપ્તિ (સર્વજ્ઞાન ઉત્પત્તિની) ભૂમિ બોધ ગયા તરફ પ્રયાણ કર્યું. શાક્ય દેશના રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ ગૌતમ, બૌદ્ધોના ધર્મગુરુ હતા. સંસારથી વિરક્ત થઈને તેઓ રાજપાટને ત્યાગી સત્યની ખોજમાં નીકળી પડ્યા. બધા ધર્મોની સાધના કર્યા પછી પણ તેમને જયારે સંતોષ ન થયો ત્યારે નિર્ગ્રંથ (જૈન) ધર્મનો અંગીકાર કર્યો; પાર્શ્વનાથ ભગવાનની પાટ પરંપરાના આચાર્ય સ્વયંપ્રભસુરીના શિષ્ય શ્રી પિહિતાશ્રવ પાસે દીક્ષા ગ્રહણ કરી તથા પાર્શ્વ પ્રભુએ બતાવેલા ચતુર્યામ (ચાર વ્રત) ધર્મનો સ્વીકાર કર્યો (પ્રભુ વીરે બ્રહ્મચર્યનું વ્રત ઉમેરીને 5 વ્રતો ના સંઘની સ્થાપના કરી હતી). “મજિઝમનિકાય” નામના બૌદ્ધ ગ્રંથમાં બુદ્ધ પોતાના પ્રધાન શિષ્ય સૌરીપુત્રને કહે છે કે- "બોધીપ્રાપ્તિ પૂર્વે હું (નિર્ગ્રંથો ની જેમ) દાઢી મૂછનો લોચ કરતો, નગ્ન અવસ્થામાં રહેતો, ઉભા ઉભા તપસ્યા કરતો, હાથમાં ભિક્ષા ગ્રહણ કરતો અને (મારી માટે ખાસ) તૈયાર કરેલું અન્ન જો કોઈ આપે તો સ્વીકારતો પણ ન હતો.” આ સમસ્ત પુરાવાથી સિદ્ધ થાય છે કે સિદ્ધાર્થ ગૌતમે બોધી પ્રાપ્તિ પૂર્વે જૈન દીક્ષાનું પાલન કર્યું હતું. 

બોધ ગયા સ્થિત ગૌતમ બુદ્ધની પ્રાચીન પ્રતિમાજી (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

અથાગ તપસ્યા તથા સાધના કર્યા બાદ પણ જયારે બુદ્ધને સર્વજ્ઞાનની પ્રાપ્તિ ન થઇ તથા પોતાના શરીરને જીર્ણ થતા જોયું ત્યારે તેમણે જૈન ધર્મ છોડી મધ્યસ્થ પથ અપનાવ્યો. 6 વર્ષની સાધના કર્યા પછી ગયાના સમીપ એક વટવૃક્ષ નીચે તેમને સંપૂર્ણ જ્ઞાન (બોધી) ઉપાર્જન થયું, ત્યાર પછી તેમણે પોતાનો બૌદ્ધ મત ફેલાવ્યો. ગૌતમ બુદ્ધ તથા પ્રભુ મહાવીર સમકાલીન હતા; નિર્ગ્રંથ ધર્મથી પ્રભાવિત થઈને ઓછેવત્તે અંશે બુદ્ધે જૈન આચારોનો આદર સ્વીકાર કર્યો હતો અને તેમના વિચારો ઉપર જૈન વિચારનો પ્રભાવ પણ વર્તતો હતો જે બૌદ્ધોના અનેક ગ્રંથો દ્વારા પુરવાર થાય છે. આજે બૌદ્ધ ધર્મ વિશ્વનું ચોથું સૌથી મોટું ધર્મ છે પરંતુ મધ્યસ્થ માર્ગ અપનાવવાથી અહિંસાવાદી હોવા છતાં તેઓ જૈનોના જેમ જયણા તથા જીવદયાનું પાલન કરતા નથી.
 
મહાબોધી મંદિર

લગભગ 2 કલાકના ટ્રાફિક વચ્ચેથી પસાર થઈને અમે બોધ ગયાના "મહાબોધી" મંદિરે પહોંચ્યા જ્યાં સિદ્ધાર્થ ગૌતમને બોધીપ્રાપ્તિ થઇ હતી. આ મંદિર બૌદ્ધોનું સહુ થી મહત્વપૂર્ણ તીર્થધામ છે; વિશ્વભરના બૌદ્ધો અહીં સાધના તથા બોધી વૃક્ષની સ્પર્શના કરવા લાખોની સંખ્યામાં આવે છે. પિરામિડ આકારના આ મંદિરની સ્થાપના સમ્રાટ અશોકે 2જી સદીમાં કરી હતી તથા બોધી વૃક્ષની છાયામાં તેમણે હીરાનું સિંહાસન બિરાજમાન કર્યું હતું (જેને આજે વજ્રાસન કહેવામાં આવે છે). ગુપ્ત વંશના કાળમાં (5મી સદી) આ મંદિરનું સંપૂર્ણ નિર્માણ ગાંધર્વ શૈલીમાં થયું તથા શૃંગ વંશમાં મંદિરના પરિસરનું વિસ્તરણ થયું. 11મી સદીમાં બર્માના શાસકોએ આ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો હતો તથા 19મી સદીમાં બ્રિટિશરો દ્વારા જિર્ણ થયેલા મંદિરનું સંપૂર્ણ નવીનીકરણ થયું. આઝાદી બાદ ભારત સરકારે મંદિરની જવાબદારી લીધી તથા UNESCO દ્વારા વિશ્વ સ્મારકની ઉપાધિ પ્રાપ્ત કરાવી. મંદિરને વધુ શુશોભિત કરવા થાઈલેન્ડના રાજા દ્વારા 2013માં શિખરના કળશ ઉપર 289 કિલો સોનુ ચઢાવવામાં આવ્યું હતું.

જબરદસ્ત સિક્યુરિટી બંદોબસ્તના કારણે અમારા મોબાઈલોને બારે ડિપોઝિટ કર્યા તથા શરીરનું ચેકીંગ કર્યા બાદ પ્રવેશ મળ્યો. અગણિત પ્રાચીન સ્તૂપો તથા દેરીઓ વચ્ચે મહાબોધી મંદિર રોશનીની ઝગમગાહટ વચ્ચે શોભી રહ્યું હતું. બુદ્ધના વિશાળ ચરણ પાદુકાને જોઈને મૂળ મંદિરે પહોંચ્યા. ભક્તોની લાઈનમાં ચાલતા ચાલતા ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો જ્યાં કાંચના એક બક્સામાં બુદ્ધની 10મી સદીની પ્રાચીન પ્રતિમા બિરાજમાન હતી. માન્યતા અનુસાર સ્વયં મૈત્રીય બુદ્ધે (એક પ્રકારના બૌદ્ધ દેવ) આ પ્રતિમાનું કસૌટી પથ્થરમાં નિર્માણ કર્યું હતું અને બુદ્ધની આબેહૂબ પ્રતિકૃતિ રચી હતી. જાજરમાન સિંહાસન પર બિરાજમાન તથા રંગબિરંગી રેશમ વસ્ત્રોથી શુશોભિત આ પ્રતિમાને દર વર્ષે સોનાનાં વરખથી મઢવામાં આવે છે. પ્રતિમાના ભામંડળમાં હીરાઓ જડેલા છે તથા હાથમાં એક સુવર્ણની ડબ્બીમાં બુદ્ધના અવશેષ રાખવામાં આવ્યા છે. 

બોધી વૃક્ષ (તસ્વીર : શ્રી મિહિરભાઈ વખારિયા)

ભવ્ય પ્રતિમા નિહાળ્યા બાદ અમે ગર્ભગૃહની બારે ભમતીનો પથ લીધો જ્યાં બુદ્ધની અનેક મુદ્રાઓમાં પ્રતિમાજી દીવાલોમાં કંડારેલી હતી. મંદિરની ઠીક પાછળ બોધી વૃક્ષ તથા વજ્રાસન સ્થાપિત છે જ્યાં ગૌતમ બુદ્ધને સર્વજ્ઞાનની ઉત્પત્તિ થઇ હતી. બોધી, પીપળનું વૃક્ષ છે જેને બૌદ્ધો સંપૂર્ણ શ્રાદ્ધથી માને છે. માન્યતા છે કે અહીં ધ્યાન ધરવાથી સ્વયં બુદ્ધના દર્શન થાય છે તથા જ્ઞાન નિર્મળ બને છે. તેની ડાળો વિશ્વના અનેક બૌદ્ધ મંદિરોમાં સ્થાપિત છે જ્યાં તેમની પૂજા થાય છે. જાતક કથાઓમાં ઉલ્લેખ છે કે બોધિવૃક્ષ વિશ્વની નાભિ ઉપર બિરાજમાન છે તથા શાશ્વત છે. આજે ભક્તોની સંખ્યા વધવાથી આખા વૃક્ષને સ્તંભોથી ઘેરી રાખવામાં આવ્યું છે. દરેક સ્તંભ ઉપર ભક્તોએ સોનાનો વરખ ચઢાવ્યો હતો. હજારો ભક્તોને તેની સામે ધ્યાનમાં લિન તથા વારંવાર ખમાસમણ આપતા જોયા; ભક્તોની શ્રદ્ધા ગજબ હતી - એક સાથે 10-20 નહિ પણ 100 ઉપર ખમાસમણ સુઈ સૂઈને આપતા જોયને આશ્ચર્ય પામ્યા!

મહાબોધી મંદિરમાં હજી ઘણું જોવાનું બાકી હતું પણ સમયની મર્યાદાના કારણે ત્યાંથી રજા લઈને ભદ્દીલપુર તરફ પ્રયાણ કર્યું જ્યાં અમારો રાત્રિવાસો હતો. આવતા દિવસે શીતલનાથ પ્રભુના 4 કલ્યાણકોની ભૂમિ અને પ્રભુ વીરની 2 ચાતુર્માસ ભૂમિ ભદ્દીલપુર તથા પ્રભુ વીરને જ્યાં કાનમાં ખિલ્લા ઠોકવાનો ઉપસર્ગ થયો હતો તે ભૂમિની સ્પર્શના કરવાની હતી જેની આતુરતામાં રાત પસાર કરી.


વધુ આવતા અંકે...

Comments

  1. जय जय जिनवर कर कल्याण

    ReplyDelete

Post a Comment

Popular posts from this month

Instagram Feed