વ્હાલા સાથે વ્હાલી વાતો - નવાંગી પૂજાની સંવેદનાઓ



આજથી એક વર્ષ પહેલાની વાત છે. પરમ પૂજ્ય શ્રી રાજધર્મવિજયજી મહારાજા સાથે ભવાનીપુર ઉપાશ્રયમાં તત્વચિંતન કરતા, પરમ પૂજ્ય શ્રી આનંદઘનજી મહારાજા દ્વારા રચિત એક સ્તવનની પંક્તિ સામે આવી - "ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ". ઘણા સમયથી મનમાં રહેલ એક પ્રશ્ન ગુંજતો હતો, પણ તેનું સ્પષ્ટ નિરાકરણ મળતું ન હતું; સ્તવનની પંક્તિથી એ પ્રશ્ન સુસંગત હતો એટલે મેં તરત પૂજ્યશ્રીને પૂછ્યું - "સાહેબ ! દરરોજની દોડાદોડમાં ચિત્ત પ્રસન્ન રે તેવી પૂજા કઈ રીતે કરવી?" ત્યારે સાહેબે તરત સમાધાન બતાવી આપ્યું.

સાહેબે મને પૂછ્યું - "તારી પાસે દરરોજ પૂજા કરવા માટે કમસેકમ પાંચ મિનિટ તો હશેજ?", મેં જવાબ આપ્યો "હા". ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે- " જયારે પણ સમય મર્યાદિત હોય ત્યારે માત્ર એક ભગવાનની પૂજા કર, અને પૂજા કરતા દરેક અંગ ઉપર વિચારણા કર; પ્રભુના ગુણોનું સ્મરણ કર; જ્યાં સુધી એ ગુણોનું સ્મરણ કરતા રૂવાંટા ન ઉભા થાય ત્યાં સુધી પ્રભુના દરેક અંગની વિશેષતા મનમાં ગૂંથતો રહે". તેમ કહી સાહેબે સંક્ષેપમાં પ્રભુના નવ અંગોની વિશેષતા કહી અને મારાથી જેટલું બન્યું તેને સ્મરણપટમાં ઉતારી દીધું.

ઘરે આવીને ખુબજ સાધારણ શબ્દોમાં પ્રભુના અંગોની વિશેષતા કાગળ પર ઉતારી. પછીના દિવસે પૂજા કરતા પ્રયોગ કર્યો. હજી તો માત્ર પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોનો સ્પર્શ થયો ત્યાંજ શરીરના જાણે સાડા ત્રણ કરોડ રૂવાંટા ઉભા થઇ ગયા. એક-એક અંગોની વિચારણા કરતા જે આનંદ આવ્યો તેની અનુભૂતિને શબ્દોમાં વર્ણવી અશક્ય છે. મારી જેમ આપને પણ પૂજા કરવાનો એવો અનેરો આનંદ પ્રાપ્ત થાય તે માટે થોડા સારા શબ્દોમાં લખવાનો પ્રયાસ કર્યો- જે અહીં આપ સમક્ષ મુકું છું. લખાણમાં અસંખ્ય ભૂલો હશે - સાહેબ પાસે આનું પ્રુફ રીડિંગ નથી કરાવ્યું; તેની માટે મને માફ કરશો. પરંતુ મને આશા છે કે જો આ શબ્દો વાંચીને આપ પ્રભુની પૂજા કરશો તો અવશ્ય પ્રભુની સમીપે હોવાનું મહેસુસ કરશો; પ્રભુના ગુણોના પ્રેમી બનશો અને પ્રભુ સાથે એક-મેક થવાનો એહસાસ પ્રાપ્ત કરશો. જો આપને આ પ્રયોગ ગમે તો જરૂરથી મને જણાવજો તથા હજી લોકો સુધી આ સંવેદનાઓને પહોંચાડજો 


૧. ચરણ-અંગુષ્ટ

હે ત્રણ ભુવનના નાથ !
સમગ્ર ઐશ્વર્યના સ્વામી, 
એવા ઇન્દ્રો-નરેન્દ્રો પણ તારા પાદપીઠની પૂજા કરે છે, 
તારા ચરણોની સેવા કરે છે,
બહુમૂલ્ય રત્ન-મણિઓ તથા સુગંધિત દ્રવ્યો 
તારા ચરણોંમાં અર્પિત કરે છે,
તેવી અદ્ભૂત કોટિની ભક્તિ કરવાનું મારું ગજું શું ?
છતાંયે આજે તારા ચરણ-કમળમાં મસ્તક ઝુકાવી, 
તારી સેવા કરવાનો ધાડસ [1] કરવા આવ્યો છું,
કારણ કે મને સમજાઈ ગયું છે કે, મારા જેવા પાપીને,
તારા ચરણ-યુગલ રૂપી નાવ જ આ સંસાર-સમુદ્રથી તારશે.

હે નાથ ! 
કમળની પાંખડી જેવા સુંદર તારા ચરણોના અંગુઠાને સ્પર્શ કરું છું ને,
ત્યારે એવું લાગે છે તું સાક્ષાત હાજરાહજૂર મારી સમક્ષ બેઠો છો,
તારા મખમલી અને મૃદુ સ્પર્શનો એહસાસ થતાજ, 
મારા શરીરના સાડા-ત્રણ કરોડ રુંવાટા થનગની ઉઠે છે !
માત્ર તારા અંશનો આ સ્પર્શ વિદ્યુતીય પ્રભાવ વહાવે છે !

હે દેવાધિદેવ ! 
તારા ચરણ અંગુઠે તો આખા મેરુ પર્વતને કંપાવી દીધો હતો,
તેવીજ રીતે મારા પણ માન અને અહંકારને કંપાવી,
મને નમ્ર બનાવી, તારા ચરણમાં સ્થાન આપી દે !

હે પ્રભુ ! 
આ સંસારમાં રહીને રાગ, દ્વેષ, તૃષ્ણા આદિ વિકારોથી હું થાકી ગયો છું,
તારા નિર્વિકાર સ્વરૂપનું સ્પર્શ કરીને, 
મારા વિકારો શાંત થાય તેવી કૃપા કર ! 





૨. ઘૂંટણ

હે કરુણા સાગર!
ચાહે ગ્રીષ્મનો અસહ્ય તાપ હતો કે ધોધમાર વર્ષા,
ચાહે કડકડતી ઠંડી હતી કે વસંતની શીતળતા,
ચાહે કોઈ પણ ઋતુ હતી,
સાડા-બાર વર્ષ સુધી તમે એક ક્ષણ માટે પણ ભૂમિ ગ્રહણ કરી ન હતી !
તમે માત્ર કાર્યોત્સર્ગમાં અડગ રહ્યા,
અન્યોના આત્માનો ઉદ્ધાર કરવા, લાંબા વિહાર કર્યા,
ઊભા-ઊભા કેવી અકલ્પનીય સાધના કરી હશે, 
એનો વિચાર કરવો પણ અશક્ય છે,
કેવું બળ, કેવું વીર્ય, કેવું ધૈર્ય આપનું !

હે જગદાધાર પ્રભુ !
એક ઉપકાર કરો મુઝ પર,
મને પણ એવું બળ આપો,
કે બધો પરિગ્રહ ત્યાગી, બધું વોસિરાવી , કાયોત્સર્ગમાં લીન બની,
મોક્ષમાર્ગે પ્રયાણ કરું… 



૩. કાંડા

હે વિશ્વવત્સલ !
તમે કેવી અદ્ભૂત કરુણા વરસાવી,
જગતના સર્વ જીવોને તમે માત્ર આપ્યુંજ છે,
ગરીબને ધન, અજ્ઞાનીને જ્ઞાન અને સમગ્ર વિશ્વને તારનારો મોક્ષમાર્ગ !
તમે કેવા અનરાધાર વરસતા !
આપના મૃદુ કર-કમળો દ્વારા, આપે એક વર્ષ સુધી, 
દર રોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપ્યું !
સર્વસ્વ ત્યાગ્યા પછી પણ 
પોતાનું વસ્ત્ર આપી દેવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો,
આપે તો બસ દેતાં શીખવાડ્યુ, અને મને બસ લેતાં આવડ્યું,

શું કરું દાદા ?
मांगने की आदत जाती नहीं है, तेरे दर पे लाज मुझको आती नहीं है !
એટલે આજે તારી સામે હજુ એક માંગણી કરું છું,

હે ગરીબનવાઝ !
છતી શક્તિએ મારામાં અંશ માત્ર પણ દાનવૃત્તિ નથી,
મારામાં પણ આપ જેવી દાનરુચિ પ્રગટાવો !
આપની પૂજા કરતા મારા હૃદયમાં પણ પરિવર્તન આવે, 
ધનની મૂર્ચ્છાનો રોગ ઘટે, 
અને ધન-લક્ષ્મી ત્યાગીને મોક્ષ લક્ષ્મી સુધી વહેલી તકે પહોંચું,
તેવા ગુણો હું માંગુ છું !




૪. ભુજા

હે પ્રાણનાથ !
આપ અનંત શક્તિ અને વીર્યના ધણી છો,
આપના બળની કોઈ અવધિ નથી,
આપના નામ માત્રમાં વીરતા છલકે છે, 
વજ્ર-ઋષભ-નારાચ સંઘયણ યુક્ત આપનું દેહ પરાજય મુક્ત છે,
અનંત શક્તિનું આધિપત્ય હોવા છતાં, 
આપે અંશ માત્ર પણ અભિમાન ન કર્યું,
અભિમાન શું, જેમણે તમારા ઉપર અસહ્ય ઉપસર્ગો કર્યા,
તેમને પણ ક્ષમા પ્રદાન કરી ~ क्षमा वीरस्य भूषणम् !

અને બીજી તરફ હું અહંકારી,
મારામાં ન કોઈ ગુણ છે ન કોઈ વીરતા,
છતાં અહંકારના મદમાં ગાંડો ઘેલો બનીને ફરું છું,
મને કોઈ કાંઈ કહીને તો જુવે - તરત તોડી પાડું છું,
આ ગર્વ-મદના ગજ થકી મને નીચે ઉતારો પ્રભુ !
મને નીચે ઉતારો પ્રભુ !




૫. મસ્તક

હે વીતરાગ પ્રભુ !
બ્રહ્માંડના સર્વોચ્ચ શિખરે, આપ બિરાજમાન છો,
અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ આપે બતાવ્યો છે,
છતાં મારા પ્રમાદી જીવે ન સાધના કરી, 
ન તારા માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો.

હે જગદાધાર,
આપ મુજપર એવી કરુણા કરો, 
કે હું આપના બતાવેલ માર્ગે ચાલીને,
ઉત્તમ સમાધિ, સમતાભાવ તથા મનની સ્વસ્થતા ધારણ કરું!

હે દિનદયાળ,
આપે પ્રાપ્ત કરેલ મોક્ષ સુખ તથા નિરાબાધ આનંદ,
મને પણ વહેલી તકે મળે તેવી કૃપા કરજો !




૬. લલાટ તિલક 

હે ત્રણ-લોકના નાથ !
ત્રૈલોક્ય લક્ષ્મી તમારા લલાટ પર તિલકભૂત છે !
અત્યંત પુણ્યોના સ્વામી એવા ઇન્દ્રો પણ ,
તમારા ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવે છે, 
આપ તેમના શિરોધાર્ય છો, 
જો મારા પણ શિરોધાર્ય બની જશો તો મારું ભાગ્ય ખુલી જશે !

હે દેવાધિદેવ !
દેવોની જેમ મને પણ તમારું સ્વામિત્વ જોઈએ છે,
મારા લલાટમાં પણ આપની આજ્ઞાનું તિલક જોઈએ છે,
શ્વાસે શ્વાસે તમારું સ્મરણ જોઈએ છે,
નિંદ્રામાં પણ તમારુંજ રટણ જોઈએ છે,
જીવનની દરેક ક્ષણોમાં માત્ર તમારીજ છત્ર-છાયાજ જોઈએ છે !

હે દયાસિંધુ ! 
આજથી હું તારો સેવક, તું મારો નાથ !
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા,
तुम्हे मिल गया पूजारी, मुझे मिल गया खजाना
मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना ! 



૭. કંઠ

હે પુણ્યના પ્રાગભાર !
કોઈએ આપનું દિલ દુભાવ્યું,
કોઈ કર્કશ વચન બોલ્યું, છતાં આપ મૌન રહ્યા,
આપના કંઠે કોઈની નિંદા, ચુગલી આદિ કરી નથી,
આપે આપનો કંઠ વિશ્વમાત્રના કલ્યાણ માટે જ વાપર્યો,
આપે તત્ત્વની વાણી વરસાવીને અનંતા જીવોને તાર્યા છે, 
કેટલાય જીવોના ભવો સુધારી દીધા,
આપના કંઠમાં કેવી અપાર કરુણા હશે કે, 
આપની દેશના સાંભળીને રૌહિણ્યો ચોર પણ તરી ગયો!
વિશ્વના કલ્યાણ માટે આપે સોળ-સોળ પ્રહર સુધી સતત દેશના આપી !
આપનો કેવો ઉપકાર !
માલકૌંસ રાગમાં વહેતી, 
પાંત્રીશ ગુણો યુક્ત કેવી મધુર વાણી !

હે દિલરંજન !
મારા પર હજુ એક ઉપકાર કરો,
મને પણ આપ જેવો કંઠ પ્રાપ્ત થાઓ
જેમાં કોઈ કઠોરતા ન હોય, જેમાં કોઈ કર્કશતા ન હોય, 
જેમાં કોઈ પ્રત્યેના કુવચનો ન હોય
માત્ર કોમળતા અને કરુણા વરસે…
એવો ઉપકાર કરો પ્રભુ…
એવો ઉપકાર કરો પ્રભુ…



૮. હૃદય

હે સર્વાંગસુંદર !,
આપનુ હૃદય,
ચંદ્રની જેમ તાપનું શમન કરે છે,
સૂર્યની જેમ અજ્ઞાન તિમિરને હટાવે છે,
વરસતા મેઘની જેમ સંસારના દાવાનળને શાંત કરે છે,
અગ્નિની જેમ કર્મકાષ્ઠને બાળીને ભસ્મીભૂત કરે છે
દર્પણની જેમ આત્મ-સ્વરૂપ દર્શાવે છે,
ઔષધિની જેમ કર્મરોગને દૂર કરે છે,
ચિંતામણિ રત્નની જેમ મનોવાંછિત પૂર્ણ કરે છે,
જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે,
તથા ચંદનની જેમ ગુણ-સુવાસ પ્રગટાવે છે.

હે હ્રુદયેશ્વર !,
જયારે હું આપના હૃદયની કલ્પના કરું છું, ત્યારે આભાસ થાય છે કે,
આપનું નિર્મળ હૃદય તો ઉપશમ રસનો દરિયો છે !
આપના હૃદયે ગૌતમ, ચંદના, શ્રેણિક પર ક્યારેય રાગ ન કર્યો ,
ચંડકૌશિક, ગોશાળો, શૂલપાણિ, સંગમદેવ, ગોશાળા પર ક્યારેય દ્વેષ ન કર્યો,
આપ સદૈવ સમભાવમાં રહ્યા.
આપના હૃદય કમળે તો સમસ્ત રાગ-દ્વેષ બાળી દીધા છે,
તેમાં કૈવલ્ય લક્ષ્મીનો વાસ થાય છે
પરંતુ મારા હૃદયમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ અનેકાનેક દુર્ગુણો વસ્યા છે,
મારું હૃદય સદૈવ ઉદ્વિગ્ન રહે છે, 
મારા હૃદયને પણ ઉપશમનું સૌંદર્ય પ્રાપ્ત થાય, 
તેમાં પણ જ્ઞાન લક્ષ્મીનો વાસ થાય,
તેની ઉદ્વિગ્નતા દૂર રહે, 
તેમાં સમતા ભાવનો દીવો પ્રજ્વલ્લિત થાય,
અને તેમાં સદૈવ આપનો વાસ થાય,
તેવી કૃપા કરજો, તેવી કૃપા કરજો… 



૯. નાભિકમળ

હે નિરંજન નિરાકાર,
નાભિ જેમ શરીરના મધ્યભાગમાં સ્થિત છે,
તેવીજ રીતે આત્મપ્રદેશના મધ્યભાગમાં રહેલ 
આઠ ઉજ્જવળ રુચક પ્રદેશમાં રહેલા જ્ઞાન, દર્શન તથા ચારિત્રને,  
આપે આપે સમસ્ત આત્મપ્રદેશોમાં વિકસિત કરીને પ્રગટ કરી લીધાં છે,

હે કિરતાર,
મારા પણ આત્માના રુચક પ્રદેશમાં રહેલ જ્ઞાન દર્શન ચારિત્ર,
સમસ્ત આત્મપ્રદેશમાં પ્રગટ થાઓ,
મારા આત્મામાં રહેલ મિથ્યાત્વનો અંધકાર દૂર થાય,
તથા સમ્યક્ત્વનો તેજ પ્રગટે,
તેવા આશિષ આપજો…



[1] દુસ્સાહસ/ ગુસ્તાખી

Comments

Popular Posts