ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો



પરમાત્મા એટલે ઉત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ અને મોક્ષ પ્રાપ્તિનું બીજ છે પરમાત્મ ભક્તિ. આપણે જે-જે ગુણો પ્રાપ્ત કરવા છે - તે તમામ ગુણો પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એટલે પ્રભુ ભક્તિ કરતા, પ્રભુના ગુણો ગાતા અને પ્રભુમય બનતા પ્રભુના ગુણો ધારણ કરી શકાય છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ પરમ પવિત્ર શ્રી ભક્તામર સ્તોત્રની દશમી ગાથામાં ફરમાવ્યું છે ~

नात्यद् भूतं भुवन भुषण भूतनाथ। भूतैर् गुणैर् भुवि भवन्तमभिष्टुवन्तः
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥


અર્થાત, હે ભુવનભૂષણ પ્રભુ ! આપના વાસ્તવિક અદ્ભૂત ગુણો વડે આપને સ્તવનારા જગતમાં આપના જેવા થાય છે તો તેમાં કાંઈ બહુ મોટું આશ્ચર્ય નથી ! આપ એવા સ્વામી છો કે તમારા આશ્રિતને પણ તમારા સમાન બનાવો છો ! 

એક નૂતન ભક્તિ ગીતમાં પણ કવિશ્રી એ કહ્યું છે ~ "અરિહંતના ધ્યાને અરિહંત બની જશું, જિનની ભક્તિ કરતા-કરતા જિન બની જશું".

આવા અનંતગુણોના સ્વામી, તીર્થંકર પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે તે સ્વાભાવિક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં - તેમ એક કૃતજ્ઞ આત્મા પ્રભુ ભક્તિ વિના રહી શકતો નથી. આવી વિશિષ્ટ પરમાત્મા ભક્તિ કરવાનું એક પુષ્ટ આલંબન છે - પૂર્વના મહાપુરુષો દ્વારા રચિત પ્રાચીન ભાવવાહી સ્તવનો. ધીમે-ધીમે રાગ પૂર્વક, તેના અર્થની વિચારણા સાથે સ્તવનો ગાવાથી પરમાત્મા સાથે પોતાની એકાગ્રતા વધતી જાય છે અને પાપવૃત્તિ ઘટતી જાય છે. પ્રભુ પ્રત્યેની ભક્તિના પરિણામસ્વરૂપ આપણામાં પણ પ્રભુ જેવા સદગુણો પ્રગટે તેવી ભાવના ભાવતા ભાવતા અનંત કર્મોનો નાશ થાય છે, આત્મા નિર્મળ બને છે અને પ્રભુના ગુણો ધારણ થાય છે. આવાજ એક પ્રાચીન સ્તવન, "ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો" ની આજે એક સંવેદના કરવા દ્વારા પ્રભુમય બનવાનો પ્રયાસ કરીયે.


શ્રી આદિનાથ પ્રભુનું આ સ્તવન અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય શ્રી આનંદઘનજી મહારાજાએ આશરે ચારસો વર્ષ અગાઉ ૧૭મી સદીમાં રચ્યું હતું અને તેમના દ્વારા રચિત ચોવીશીનું આ પ્રથમ સ્તવન છે. પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજનું નામ "લાભાનંદવિજયજી" હતું, પરંતુ તેમની રચનાઓમાં "આનંદઘન" નામ વાપરવાથી તે વધુ પ્રચલિત બન્યું.  શ્રી આનંદઘનજીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને દીક્ષા લીધા પછી તેમણે ગુજરાત - રાજસ્થાનમાં વિચરણ કરી અતિ કઠોર સાધુ જીવન વ્યતીત કર્યું. આનંદઘનજી માત્ર એક સાધુ નહીં, પણ પ્રખર વિદ્વાન, સાહિત્યસર્જક અંને સિદ્ધ યોગી હતા. તેમણે પોતાની રચનાઓ દ્વારા અનેક જીવો પર ઉપકારો કર્યા છે અને વર્ષો વીત્યાં છતાં તેમની અમરવાણી આજે પણ લોકહૃદયમાં ગૂંજી રહી છે.


આ સ્તવન રચાયું તેની પાછળની એક કથા છે. શ્રી આનંદઘનજી મહારાજ એકદા વિહાર કરતા હતા, ત્યારે એક મૃતક વ્યક્તિ આગળ સોળે શણગાર સજી, વાળ છૂટા રાખી સતી થવા એક સ્ત્રી તેની આગળ આગળ ચાલતી હતી. તેમણે આ દૃશ્ય જોઈને તે સ્ત્રીને પ્રતિબોધીને કહ્યું કે "તું કોની સાથે બળી મરવા તૈયાર થઈ છે?" ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે "મારા સ્વામી પાછળ હું સતી થઇ રહી છું". શ્રી આનંદઘનજીએ કહ્યું કે "તારો સ્વામી કોણ છે? જો તું શરીરને પ્રિયતમ માનીને એને ભેટવા જતી હોય તો તે અર્થહીન છે. કારણ કે શરીર તો જડ અને વિનાશી છે. જેની ઉત્પત્તિ થાય છે એનો નાશ નક્કી છે. શરીર કંઈ તારા પ્રેમને સમજી શકવાનું નથી. એ શરીરની સાથે બળી જવાથી તારી ગતિ તો તારા કર્મ અનુસાર થશે એટલે તારા પ્રિયતમને ભેટવાનું કામ તો દુર્લભ છે." ત્યારે તે સ્ત્રી પૂછે છે કે ખરો પતિ કોણ અને તેની સ્ત્રી કોણ? 


જવાબમાં શ્રી આનંદઘનજી જે કહે છે તેના દ્વારા આ સ્તવનની સ્ફુરણા થઈ અને યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજએ આ સ્તવન રચ્યું~

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઔર ન ચાહું રે કંત,
રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત (૧) 


હે શ્રી ઋષભદેવ પ્રભુ ! તમે મારા સાચ્ચા "પ્રીતમ" છો. તમને છોડીને મારો બીજો કોઈ કંત એટલે કે સ્વામી નથી કારણ કે આ અસાર સંસારના પ્રેમ તો ક્ષણિક છે - જે માત્ર આકર્ષણ અને સ્વાર્થના ટેકા ઉપર ચાલે છે. (સાચ્ચો પ્રેમ કેવો હોય? ~ કે જેમાં અંશ માત્ર પણ સ્વાર્થ - આકાંક્ષા કે આશય ન હોય - આવો નિસ્વાર્થ પ્રેમ આ સંસારમાં શક્ય છે શું?)  

હે પ્રભુ ! આ અસાર સંસારમાં તુજ મારો સ્વામી છો અને મેં મારુ હૃદય તને સોંપી દીધુ છે – પછી મને ભલે ગમે એટલી યાતનાઓ અને કષ્ટો સહન કરવા પડે; મારો એકમાત્ર સ્વામી તુંજ છો કારણ કે જે નિ:સ્વાર્થ પ્રેમ મને તારા સાથે થયો છે તેવો આ સંસારમાં બીજા કોઈ સાથે શક્ય નથી.

એક વાર જો તમે મારી પ્રીતિથી રિઝાઈ ગયા - જો મારાથી રાજી થઇ ગયા તો પછી આપણો પ્રેમ "સાદિ અનંત" રહેશે; (એટલે કે જે પ્રેમની શરૂઆત હોય પણ જેનો અનંતકાળ સુધી અંત ન હોય). 

હે નાથ! આ સાંસારિક પ્રેમ ક્ષણિક છે - બહુ બહુ તો તે મૃત્યુ સુધી સાથે રહે છે, પણ તારી સાથેનો પ્રેમ તો ભવોભવ સુધીનો છે!


પ્રીત સગાઇ જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ ન કોઈ,
પ્રીત સગાઇ નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય (૨)


હે કૃપાસિંધુ ! આ સંસારમાં પ્રેમ સગાઇ (સગપણ/ વિવાહ) તો બધાજ કરે છે પણ શું એ ખરેખર પ્રેમ સંબંધ છે? એ તો માત્ર બાહ્ય આકર્ષણ અને સ્વાર્થ છે ! બન્ને આત્મા આવા સંબંધમાં એકમેક થતા નથી ! એવા સંબંધમાં શું લાભ?

આવા સાંસારિક પ્રેમ સોપાધિક (ઉપાધિ વાળા) હોય છે; અપેક્ષા, સ્વાર્થ, આકાંક્ષા, વિયોગ જેવી અનેક બાહ્ય ઉપાધિઓ આ સાંસારિક પ્રેમથી જોડાયેલ છે. પરંતુ મારો તારા પ્રત્યેનો પ્રેમ સંબંધ નિરપેક્ષ અને નિરુપાધિક છે - એટલે કે સર્વ ઉપાધિ રહિત છે!


કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય,
એ મેળો નવિ કદીયે સંભવે, મેલો ઠામ ન ઠાય 
(૩)

હે પ્રાણેશ્વર ! આ સંસારમાં કેવી માન્યતા અને પ્રથાઓ છે કે પતિનું જો મૃત્યુ થાય તો પત્ની પણ તેની સાથે ચિતામાં ભળી જાય છે ! આ સંસારીઓ એવું માને છે કે પતિ સાથે મરવાથી આગામી ભવમાં પણ તેના સાથે ફરી મેળો થાય.

પણ હે હ્રદયેશ્વર ! તેજ સમજાવ્યું છે કે એવો મેળાપ તો કદી સંભવ નથી - કોને કઈ ગતિ મળશે એ તો માત્ર કર્મ સિદ્ધાંત પર નિર્ભર છે ! આવા પ્રેમમાં બળીને મરવું વ્યર્થ છે; મારી આવી અવદશા નહિ આવે કારણ કે મેં પ્રેમ સંબંધ તારા સાથે બાંધ્યો છે !


કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ,
એ પતિ રંજન મેં નવિ ચિત્ત ધર્યું, રંજન ધાતુ મિલાપ (૪) 


હે જિનેશ્વર ! કેટલાક સંસારીઓ પોતાના સ્વામીને ખુશ કરવા, તેમને રીઝવવા, તેમને પામવા, અલગ-અલગ પ્રકારના તપ કરે છે - તેમના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે - પોતાના શરીરને કષ્ટ આપે છે ! પણ આટ-આટલા તપ કર્યા પછી પણ શું એ બન્ને પતિ-પત્નીનો આત્મા એકમેક બને છે? અલગ અલગ ધાતુ તપીને એકબીજામાં ઓગળી જાય છે, એકમેક થઇ જાય છે પરંતુ એક સંસારી પોતાના શરીરને કષ્ટ આપીને પોતાના પ્રેમી સાથે એકમેક બની શકતો નથી.

એટલે હે કરુણાસિંધુ ! મારે આવા ક્ષણિક સાંસારિક સ્વામીને રીઝવવા કરતા તને રિઝાવવો છે ! કારણ કે જો તું મારો થઇ ગયો તો આ જગ મારુ થઇ ગયું !


કોઈ કહે લીલા રે અલખ અલખ તણી, લખ પુરે મન આસ,
દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ (૫)

હે ગરીબનવાઝ ! ઘણા એવી માન્યતા ધરાવે છે કે આ સમગ્ર સંસાર અલક્ષ્ય (જેને "ન જાણી શકાય" અર્થાત જે incomprehensible હોય) એવા પરબ્રહ્મની લીલા છે. આ સંસારીઓ માને છે કે ભક્તની જે ઈચ્છા હોય તે દેવો પુરી કરે કારણ કે બધું તેમની લીલા પ્રમાણે ચાલે છે. આવું કરવાથી તેઓ નિષ્ક્રિય થઇને પુરુષાર્થ મૂકી દે છે - અને કહે છે કે ઈશ્વરની જયારે ઈચ્છા થશે ત્યારે પ્રીતિ મળશે ~ એવી આશામાં બેઠા રહે છે !

પરંતુ, હે વીતરાગી પ્રભુ ! આ વિશ્વમાં આપજ સાચા દેવ છો કારણ કે આપ પાપ-દોષથી રહિત છો ! આપ તો નિરાકાર વીતરાગી છો - રાગ-દ્વેષ રહિત હોવાથી અમારા સંસારીઓના નાટકો જોવા કે લીલા કરવા નથી બેઠા !

હે દીનાનાથ ! પુરુષાર્થથી પામીને આપના પ્રત્યેના મારા નિસ્વાર્થ પ્રેમ થકી મને મારો આ ભવ સફળ બનાવવો છે !


ચિત્તપ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ,
કપટરહિત થઇ આતમ અર્પણા રે, 'આનંદઘન' પદ રેહ (૬)

હે વિશ્વવત્સલ ! હું માત્ર બાહ્ય વ્યહવાર, દંભ અને પ્રદર્શન માટે તારી પૂજા કરતો હતો ! હું જાણતો હતો કે ભાવ વિનાની ઉત્કૃષ્ટ દ્રવ્ય પૂજા પણ નિરર્થક હોય છે; પણ છતાંએ તારી સાથે એકમેક થયા વિના આ ક્રિયાઓમાં લાગેલો રહેતો !

પરંતુ હે હૃદય સમ્રાટ! 
મેં જયારથી તને મારો પ્રિયતમ સ્વીકાર્યો, 
જયારથી તારી સાથે પ્રીતિ બાંધી, 
ત્યાર પછી તારી પૂજાનો અસર કઈં જુદોજ છે ! 

હવે તો તારી પૂજા કર્યા બાદ અંતરમાં સતત સુખની અનુભૂતિ થાય છે ! પુરા દિવસ સુધી મારા અંતરમાં આનંદના કલ્લોલ થાય થાય છે ! તને સ્પર્શતા શરીરના સાડા ત્રણ કરોડ રૂંવાટા ઉભા થઇ જાય છે ! દેરાસરથી નીકળ્યા પછી પણ સતત સુખમાં મારું મન તારામાં પરોવાયેલું રહે છે !

હે સર્વાંગસુંદર ! પહેલા મારું કપટી મન, નિજી સ્વાર્થ માટે તારી પૂજા કરતું હતું, પણ હવે તારી સાથે પ્રીતિ બંધાયા પછી મારી પૂજા અખંડ બની છે ! તારી વીતરાગ દશાની પ્રીતિ થકીજ મારા આત્માની નિર્વિકારી દશાના આનંદને સમજ્યો છું

 હે દયાના દાતાર! મારી આત્મા રૂપી બંજર ભૂમિને આપના પ્રેમે આનંદમય બનાવ્યો છે !

Comments

  1. Thank you for sharing this! I read the entire post...knowing the meaning behind the words make our beautiful stavans makes us realize the depth of the words

    ReplyDelete
  2. Jai jinendra .really superb thankyu

    ReplyDelete
  3. Pranaam great and wonderful context. If possible kindly enlighten us on entire stavan chovishi.

    ReplyDelete
  4. Can You please confirm this event. Because i don't believe that this could have happened. Massacre of 8000 sadhus and no mention in any credible history book. Here credible means unbiased. Only some digambar believe and spread this story. I want a total unbiased analysis based on facts, history and logical common sense. Thanks in advance.
    Dr. Madhur Jain.

    ReplyDelete
  5. https://youtu.be/5ypNwqOk3lc this is the link of a video claiming the death of the 8000 tamil jain sadhus. I cant believe this because history cannot be silent on such a large scale massacre. I never heard any mention of this event in any unbiased history literature.
    Can you please give your unbiased , fact based analysis.
    Thanks in advance.
    Dr Madhur Jain.

    ReplyDelete

Post a Comment

Popular Posts