મારા પ્યારા પ્રભુ


પ્રેમ
આ શબ્દમાં એટલી તાકાત છે કે તે અસંભવને પણ સંભવ બનાવી શકે અને અશક્યને શક્ય. સામાન્ય દ્રષ્ટિથી કહું તો પ્રેમમાં વ્યક્તિ ગાંડો ઘેલો બની જાય છે. જો ગાંડો ઘેલો ન થયો હોય તો તેને પ્રેમ થયોજ નથી; પ્રેમી પાછળ ગાંડપણ એ તો એક અલંકાર છે. જે કાર્ય એક પ્રેમી કરી શકે તે એક સામાન્ય વ્યક્તિ માટે પ્રાયઃ અશક્ય હોય છે. પ્રેમ એક એવો સંબંધ છે કે જેની કેટલી પણ વ્યાખ્યા કરીએ, તેને ન્યાય આપી શકાતો નથી. પ્રેમ કોને કહેવાય તે સમજવું હોય તો તેના માટે પહેલા પ્રેમ કરવો પડે. એ અનુભવની વ્યાખ્યા એટલે પ્રેમ. પ્રેમની સાચી અનુભૂતિ તો અનંદઘનજી, મીરાબાઈ અથવા અમીર ખુસરો જેવા બડભાગી લોકોજ કરી શકે...પણ પ્રેમની કંઈ મોનોપોલી થોડી છે? એ તો કોઈ પણ કરી શકે. મેં પણ કર્યો છે.

આજે મારા પ્રિતમને એક પત્ર લખીને મારા મનની વાત કહેવાનો धाडस કરું છું. (धाडस એક મરાઠી શબ્દ છે; ગુજરાતી કે હિન્દી શબ્દકોશમાં આ શબ્દને ન્યાય આપતો બીજો કોઈ શબ્દ નથી મળતો. સામાન્યતઃ દુસ્સાહસ અથવા ગુસ્તાખી કહી શકાય).

મારા પ્રીતમની શું વાત કરું. એના પાસે તો મારા જેવા લાખો ચાહકો છે. મને ખબર છે કે તેને મારી જેમ રોજના ઢગલાબંધ લોકો પત્રો લખતા હશે. તે લોકો મારાથી સારા પત્રો લખતા હશે. પણ મને શું? મારે તો મારી વાત કહીને હલકું થઇ જાઉં છે. તે વાંચે કે ના વાંચે, તે બોલે કે ના બોલે, તે બોલાવે કે ના બોલાવે, મારો પ્રેમ તો તેના પર એટલોને એટલોજ રહેવાનો છે. મારા પત્રમાં તો ઢગલાબંધ ભૂલો અને ત્રુટીઓ હશે. છતાં મારી બાળબુદ્ધિમાં જે કંઈ આવશે તેને શબ્દો આપવાનો પ્રયાસ કરીશ.

સંપૂર્ણ પત્રની PDF File ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
અથવા નીચે વાંચો 

~~~~~~

હે પ્રાણેશ્વર,

આજે ફરી તને હજુ એક પત્ર મોકલું છું. છેલ્લા પત્રોનો પણ તે ક્યાં જવાબ આપ્યો? મને ખબર છે કે તું શાશ્વત સુખમાં મગ્ન છો, પણ એક વાર જવાબ તો આપ! મને કઈ રીતે ખબર પડે કે તને મારા પત્રો મળે છે કે નહિ? એક ઈશારો તો આપ! બધા સગા-સંબંધીઓ મને ગાંડો સમજવા લાગ્યા છે, તેઓ કહે છે કે તારી સાથે પ્રેમ ના થાય. શું આ સત્ય છે? શું હું સાચ્ચે ગાંડો છું? હવે તારે મને જવાબ દેવોજ પડશે. મારું કોઈ સગપણ તારી સાથે છે કે નહિ?

યાદ કર એ નિગોદના દિવસો જયારે હું અને તું બંને એક જ સાથે રહ્યા હતા; યાદ કર એ નરકની વેદનાઓ જે આપણે સાથે ભોગવી હતી; યાદ કર એ ક્ષણ જયારે તિર્યંચના ભવમાં પણ આપણે સંગે રહ્યા હતા; અને સાથે પ્રભુના સમવસરણમાં જિનવાણીનું શ્રવણ કર્યું હતું; યાદ છે કે ભૂલી ગયો? મને યાદ છે એ દિવસો જયારે સવારથી સાંજ આપણે સાથે રમતા હતા, એકજ થાળીમાં જમતા હતા..કેવો સંબંધ હતો આપણો? આજે તું સિદ્ધશિલામાં પહોંચી ગયો તો મને ભૂલી ગયો? આજ આપણો પ્રેમ સંબંધ? મને આ બધા સવાલોના જવાબ આપ.

તારી સાથે મારો સંબંધ તો ભવો-ભવ પુરાણો છે, પણ આ ભવમાં તો મને તારા સાથે "love at first sight" વર્ષો પહેલાજ થઇ ગયો હતો જયારે મેં આચાર્યશ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત પુસ્તકના એક ફોટામાં તારા ધ્યાનમગ્ન-જીવંત નેત્રો નિહાળ્યા હતા. શું આંખો હતી એ ! જેને જોતાજ મારુ સંપૂર્ણ અસ્તિત્વ તારામાં ઓગળી ગયું હતું. જાણે પ્રેમનું અમૃતપાન કરાવતી હતી તે આંખ.



તે આંખો જોઈને મને ખાતરી થઇ ગઈ હતી કે આપણો સંબંધ ખુબ પુરાણો છે. એજ ક્ષણે મેં તને મારો પ્રીતમ સ્વીકારી લીધો હતો; મેં તારી સાથે સાદી અનંતની પ્રીત સગાઇ કરી લીધી હતી. એ ફોટોને હું જોયા કરતો; નિહાળ્યા કરતો; તેની સામે ગીતો ગાયા કરતો! દરરોજ મારો આત્મા તને રૂબરૂ મળવા તડપતો. એકાએક પ્રેમરસથી તરબોળ સ્તવનો, જેના શબ્દો માત્ર હોંઠથી સરકતા હતા, તેના અર્થ સમજાવા લાગ્યા. જ્ઞાનવિમલજી, આનંદઘનજી, જિનરંગજી, ઉદયરત્નજી આદિ મહાપુરુષોના શબ્દોએ મને હજુ તારા પ્રેમમાં પાગલ બનાવી દીધો.-

“મેરો મન તુમ સાથે લીનો ! મીન વસે જ્યું જલમેં હો જિનજી !
તું મેરા મનમેં, તું મેરા દિલમેં !”
“મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદ્ર ચકોર, તિમ મુઝને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર !”
“ભર્યા સરોવર ઉમટે રે, નાદિયા નીર ન માય, તો પણ યાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય !”
“મુઝ મનડાંમાં તું વસ્યો રે, જ્યું વસે પુષ્પોમાં વાસ ! અળગો ના રહે એક ઘડીરે સાંભરે શ્વાસોશ્વાસ !”


પૂર્વ કાળના એ મહાપુરુષો પણ તારાથી કેવો અદભુત પ્રેમ કરતા હતા! કન્હૈયાલાલ વૈદ નામના પણ એક મહાપુરુષ તારા દીવાના હતા. આવા પ્રેમી તારી પાસે હોય તો પછી તું મને ક્યાં યાદ કરવાનો? પણ મેં હિમ્મત ન હારી. અમુક વર્ષો પછી, ઈસ્વી. સન. 2007માં ઉછળતા હૈયે, નદી-નાળા-વનરાજી પાર કરીને, દોડી દોડીને તારા દ્વારે પહોંચ્યો. તને રૂબરૂ જોવાનો, તને સ્પર્શ કરવાનો અને તારા દરબારમાં બેસીને તારી આંખોને ભરી ભરીને નિહાળવાનો મૌકો મળ્યો !


તારું રૂપ જોઈને તો હું ઘેલો બની ગયો હતો. તારા શાંતભાવને દર્શાવનારું પીપળના પાનના આકારનું મુખ, ધનુષ્ય આકૃતિ સમાન ભ્રમરો, ઉન્નત મસ્તક શીખા, અંધકારને ચીરતું ભાલતિલક, પોપટની ચાંચ સમી નાસિકા, મોતીની છીપ સમા કુંડળ, કમળની નાજુક પાંખળી જેવા હોઠ, શંખના અગ્રભાગ સમો કંઠ, કેળના ઉપલા થડ જેવા હાથ, ઋષભસ્કંધ સમા ખભા અને સાગર સમો ગંભીર ઉદર ભાગ! શું રૂપ ! શું તેજ ! શું દેદાર! સોહામણાં તારા એક-એક અંગ જોઈને મારુ મન નૃત્ય કરતું હતું !

બસ એક અફસોસ રહી ગયો. ઘણો ગુસ્સો પણ આવ્યો. પ્રથમવાર ફોટામાં જોયેલા તારા કરુણાના ભારથી નમ્ર બનેલા નિર્વિકાર નેત્રોના દર્શન થી હું વાંછિત રહી ગયો. સાધારણ ચક્ષુઓ દ્વારા તારું નિર્વિકાર તથા ધ્યાનમગ્ન સ્વરૂપ લોકોએ ઢાંકી દીધેલું હતું. કેવો દુસ્સાહસ કે તારું મૂળ સ્વરૂપ ઢાંકવાનું આવું ઘોર અનર્થ કર્યું ! તું કંઈ બોલતો નથી તેનો આ લોકો ગેરફાયદો લઇ લે છે.



તારો સ્પર્શ મળતો રહે એ લાલચથી વારંવાર પૂજા કરી - તું જગતમાં સૌથી શ્રેષ્ઠ છે તેવી અનુભૂતિ દરેક સ્પર્શે થઈ. જાણે મને સર્વસ્વ મળી ગયું હતું. તારું એવું ચુંબકીય આકર્ષણ હતું કે તને છોડીને જવાનું મન થતું જ ન હતું. તારી સામે અગણિત ગીતો લલકાર્યા. પણ તું મૌન રહ્યો. મને લાગ્યું કે તને મારો પ્રેમ દેખાશે; તું મને આવકાર આપીશ, મને ભેટી લઈશ...પણ તું ટસથી મસ ના થયો. જ્યાં સુધી તારા દ્વાર બંધ ન થયા ત્યાં સુધી આસન જમાવ્યું. ભારી મને ત્યાંથી વિદાઈ લીધી. તારા દ્વારથી દૂર જાઉ અશક્ય બની ગયું હતું..

તારો વિરહ દિવસે દિવસે અસહ્ય બનતો ગયો. તારી પાસે નિરંતર આવતો પણ તું કશું કહેતોજ નહીં. છતાં તારા દર્શ અને સ્પર્શ માત્રથી પોતાના મનને સાંત્વના આપતો. મૌન તો મૌન, તારી હાજરી તો મળતી! તારાથી દૂર થતાજ, જાણે મારુ જગ સૂનું-સૂનું બની જતું. આખો દિવસ કંઈ સૂઝતું નહિ. જમવાનું ભાવતું નહિ, રાત્રે ઊંઘ આવતી નહિ. ધીરે-ધીરે લોકો મને પાગલ સમજવા લાગ્યા. હું કઈ રીતે સમજાવત આ જગતને કે મને વીતરાગી પર રાગ જાગ્યો છે; કઈ રીતે જણાવત કે નિર્મોહી પ્રત્યે હું એવો મોહિત થયો છું કે ચારેય તરફ માત્ર તારાજ નામના રણકાર સંભળાય છે! મારી આ વેદના તે ન સમજી, તો બીજા પાસે શું આશા રાખું?

ઈસ્વી. સન. ૨૦૧૧ માં તો તારા વિશિષ્ટ અભિષેક કરવા- કરાવવાનો અમૂલ્ય લાભ મળ્યો. ખરેખર શું આનંદ હતો એ દિવસે- એવો આભાસ થયો કે મારા જેવો બડભાગી આ જગતમાં બીજો કોઈ નહિ હોય! પર્વતના શિખરથી બુલંદ અવાજે દેવોને કહેવાનું મન થયું કે તારો જન્માભિષેક કરવાનો લાભ માત્ર તમને જ નથી મળ્યો... તે ક્ષણો માણવાનો આનંદ મેં પણ લઇ લીધો છે!

ઈસ્વી. સન. ૨૦૧૮ અને હાલમાં આ વર્ષે 2021માં તે ફરી કૃપા કરી. તારા નિર્મળ દેહ પર શક્રેન્દ્ર દ્વારા અર્પિત શ્રી વર્ધમાન શક્રસ્તવના અભિષેક કરવા-કરાવવાનો લાભ મળ્યો ! જળની ધારા તારા મસ્તકથી વહેતા જોતો ત્યારે મને તે જળની દરેક બુંદ પર ઈર્ષ્યા થતી ! કેવી સૌભાગ્યવાન હતી તે બૂંદો, તે ઔષધિઓ જેને તારા શરીરનો આવો ઉમદા સ્પર્શ કરવા મળે છે !



હવે ફરી ફરી હું આ પત્ર તને માત્ર એક જવાબની આશામાં મોકલું છું. મારે તને આજે દિલ ફેંક એક જ સવાલ પૂછવો છે કે, તું મારાથી રાજી છે કે નારાજ? તું મને ખુબ ગમે છે, પણ હું તને ગમુ છું કે નહિ ? તને હું ખૂબ પ્યાર કરૂ છું, તું મને પ્યાર કરવા માગે કે નહિ ? પ્યારની દુનિયામાં બે હાથ ભેગા થયા વિના તાલી પડતી નથી, હું દિન-રાત મથ્યા જ કરૂ અને તારા તરફથી જો મને કશો Support જ ન હોય, તો આમ હું one sided love ક્યાં સુધી કર્યા કરું

ચાલ હજી એક રસ્તો આપું. જો તું મને પ્રેમ ન કરતો હોય તો આમાંથી એક સ્થાન આપી દે –મને તારા ચરણ નીચેનું સ્વર્ણ કમળ બનાવી દે, અથવા તારી પડખે રહેતા ચામરધારી ઇન્દ્ર બનાવી દે. મને પુષ્પ બનાવી દે કે સદૈવ તારી પર વર્ષા કરતો રહું, અથવા તો તારું સિંહાસન બનાવી દે કે સદૈવ તારો ભાર વહ્યા કરું. મને આશોકવૃક્ષ બનાવી દે કે તને શીતલ છાયા પ્રસાર્યા કરું, અથવા તો તારું શિર-છત્ર બનાવી દે કે સદૈવ તારા મસ્તક પર ફર્યા કરું. તારે આમાંથી ક્યાંક એકાદ સ્થળે જગ્યા આપવી જ પડશે. કારણ કે મારે હવે સતત તારું સાન્નિધ્ય જોઈએ છે. તે ગોશાળા, ચંડકૌશિક, શૂલપાણિ જેવાને પણ શરણ આપી - મને આમાંથી એક સ્થાન પણ નહિ આપ?

સો વાતની એક વાત, મને તારું સ્વામિત્વ જોઈએ છે, શ્વાસે શ્વાસે તારું સ્મરણ જોઈએ છે, નિંદ્રામાં તારુંજ રટણ જોઈએ છે, જીવનની દરેક ક્ષણોમાં માત્ર તારીજ છત્ર-છાયાજ જોઈએ છે, મારા પ્યારા પ્રભુ… મારા પ્યારા પ્રભુ…

તારા જવાબનો આતુર,
અર્પિત

Comments

  1. Replies
    1. khub khub anumodhna Arpit Bhai......Akhothi Asru vaheta Jay che tamara patra na ek ek sabd vachto jao chu ane radto jau chu..... Prabhu aapne na jawab aapine pan ghanu badhu kahe che. Tame nimit cho prabhu ane amara sarve ne vache na bridge cho. tamaro prem amar che, amar rahese.....so keep it up......

      Delete

Post a Comment

Popular Posts