તારી યાદ આવે છે...



આજે તારી યાદ આવે છે,
ઘણી યાદ આવે છે
યાદ આવે છે તે સાંજ,
જે સમયે છેલ્લી વાર, તે મારી સામું જોયું હતું,
તારી આંખો યાદ આવે છે,
તે જાદુઈ આંખ, તે ચમકદાર આંખ,
લાખો વાત એક વારમાં કહી જાતી આંખ,
તે વ્હાલ ભરેલી આંખ, તે જીવંત આંખ !
એ આંખની ઊર્મિ હજી યાદ આવે છે,
આજે તારી યાદ આવે છે, ઘણી યાદ આવે છે

અરે, શું કહું તને
આ લોકો તો માનવા પણ તૈયાર નથી કે હું તારા સામે બેઠો હતો...
સામે શું...તે મને સંબોધીને કહ્યું પણ હતું...
પણ જવા દે… લોકો માને કે ન માને, આપણને શું?
તને તો યાદ છે ને? કે હું ભુલાઈ ગયો?
યાદ હશેજ તને...તું થોડી ભૂલે?

તે સાંજે, રાતરાણીની મીઠી મહેક પ્રસરી રહી હતી કે હવામાં સુવાસ હતી, તે યાદ નથી..
ઝરમર વરસાદ હતો કે શીતળ પવનની ઠંડક હતી, મને યાદ નથી,
બસ એટલું યાદ છે કે સમસ્ત વાતાવરણમાં, મને તારુંજ સ્મિત આકર્ષી રહ્યું હતું,
પણ કોણ જાણે કંઈ બરાબર લાગતું ન હતું, ઉદાસીનતા છવાયેલી હતી...
હું ઘણો મુંઝવણમાં હતો…મન અસમંજસમાં હતું…
તને પ્રેમ ભરીને નિહાળું કે તારી વાતો સાંભળું?
જો તારી આંખોને નિહાળતો, તો એટલો ખોવાઈ જતો કે તારું બોલેલું કશું સંભળાતું નહીં...!
તારું સાંભળ્યું નહીં, એટલે આજે હું અહીંયા છું અને તું ત્યાં…
ખૈર, વાંધો નહીં...તું નહિ, પણ તારી યાદ તો સાથે છેજ ને…

ઢળતી સંધ્યાએ ચંદ્રમાની કમી લાગતી ન હતી,
તારા ચેહરાનો નૂર, જાણે તેની કમી પુરી પાડી રહ્યો હતો...
તારા મખમલી હોંઠ, તારું મધુરું સ્મિત, તારો મીઠો અવાજ,
હજુ કેટ-કેટલું યાદ કરું?
યાદ કરતાજ ગમગીન બની જાઉં છું,
આંખમાંથી આંસુ વહી પડે છે..
પણ તને શું? મને મૂકીને જવામાં તને ક્યાં દુઃખ થવાનું હતું?
મને તારી કમી મહેસુસ થાય છે...તને ક્યાં થવાની હતી?
તને મારો પ્રેમ ક્યાં દેખાવાનો હતો?
મારું સર્વસ્વ તુજને 'અર્પિત' કરી દીધું હતું...
પણ તને શું ફરક પડવાનો હતો?

દરરોજ જ્યાં તું હોય, ત્યાં તારો પડછાયો બનીને રહેતો,
તને જોવા, સાંભળવા, નિહાળવા રહેતો,
પણ ક્યારેય તે મને પાસે બોલાવ્યો નહીં,
હજી તને મારા મનની વ્યથાઓ કહું, મારો પ્રેમ છલકાવું,
તે પહેલાં..તે પહેલાં...તે પહેલાં...
તે અંધારી રાતેતું મને મૂકીને વયો ગયો...!
કેમ આવું કર્યું તે?
મારા પ્રેમની તને કોઈ કદર હતીજ નહીં...
કેમ ,'વીર' કેમ?
મને હજુ વિશ્વાસ ન હતો...તું મને મૂકીને કઈ રીતે જા?
જેને પૂછું તે અશ્રુભીની આંખે એક જ વાત કરતું
હું એ સ્વીકારું પણ શી રીતે?
તારો નામનો નાદ હજુએ સંભળાતો હતો…
પણ તું હોવા છતાં ન હતો..

કોઈ ગોરુચંદન લાવ્યું, કોઈ બહુમૂલ્ય વસ્ત્ર,
કોઈ ક્ષીરસમુદ્રનું જળ, કોઈ સુગંધિત ચંદન,
અને હું ખાલી હાથે સ્તબ્ધ ઉભો રહ્યો ,
જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય...તે લાવે પણ શું?
છતાંએ તારા દેહનું એકમાત્ર આશ્વાસન હતું,
મૌન તો મૌન, તું હાજર તો હતો,
બંધ તો બંધ, તારી આંખો તો હતી,
સ્થિર તો સ્થિર, તારી કાયા તો હતી,
આત્મા વિના પણ તારી હાજરી તો જીવંત હતી!
મન તો થયું તને બધાથી ક્યાંય દુર લઈ જાઉં ,
જ્યાં બસ તું અને હું.. બીજું કોઈ નહીં...એ શક્ય પણ ક્યાં હતું?
હજું કંઈ વિચારું એ પહેલાં બધા તને શિબિકામાં બેસાડી મારાથી દૂર લઈ ગયા...
એટલું દૂર, જ્યાં પહોંચવું મારા હાથમાં ન હતું...

હું હીબકાં ભરીને રડતો રહ્યો...તને પોકારતો રહ્યો..
પણ કોઈ એ મારી એક ન સાંભળી...
કોઈ એ શું...તે પણ મારી વાત ન સાંભળી...
શું તને મારા આંસુઓના દરેક બુંદમાં છલકાતો પ્રેમ ન દેખાયો?
તારા દેહનો સ્પર્શ પણ મને ના મળ્યો...
માન્યું મેં ઘણા અપરાધ કર્યા હતા..
પણ મારા અપરાધોની આવી સજા?
જન્મો જન્મની પ્રીતનું આ ફળ?

તે અમાવસની રાતે તારા દેહનો એકજ તેજ હતો,
જે અગ્નિમાં ભળી, સદૈવ માટે બુઝાઈ ગયો,
તું ગયો તે મારા હાથમાં ન હતું,
પણ તને મુઝથી હંમેશ માટે દૂર કરનારી તે અગ્નિને હું ક્યારેય માફ કરીશ નહિ,
આવી આખરી વિદાઈ? આવી ક્રૂરતા?
ભડકતી અગ્નિમાં મારા રૂંવેરૂંવે તાપ સળગતો હતો,
તે દ્રશ્ય મારી આંખે જોવાયું નહિ અને
રહીસહીને મારી તમામ આશા બાળીને ભસ્મીભૂત બની ગઈ

તે તેજ સામે કેટલી ઘડી ઉભો રહ્યો,
છતાં તે મને એક વાર પણ આવકાર આપ્યો નહીં
અગ્નિ શાંત થઇ, પણ મારા હૃદયની બળતરા એવીજ રહી,
બધાને જોઈ, મેં પણ તારા દેહની ભસ્મ લેવા પડાપડી કરી...
થોડી હાથે આવી તો તેના કણકણમાં તને શોધ્યો...
તને ખબર નહીં હોય, પણ જે પ્રશ્ન મારે તને પૂછવા હતા તે બધાજ પ્રશ્ન, ભસ્મના દરેક કણને પૂછ્યા હતા...
શું તે વિચાર્યું, કે તારા વિના મારું શું થશે?
શું તે વિચાર્યું, કે હું કેટલો એકલો પડી જઈશ?
શું તે વિચાર્યું, કે તારા વિના સંસાર સામે કેવી રીતે લડીશ?
ભસ્મના દરેક કણને આ બધું પૂછવા છતાં
કોઈ જવાબ મળ્યા નહીં...

તારા તેજની કમી પુરી પાડવા, બધાએ દીવડા પ્રગટાવ્યા,
આ દુનિયાને સમજાવે પણ કોણ,
કે ટમટમતા દીવડાઓ તે રાત્રીના અંધકારને ચીરવામાં નિષ્ફળ રહ્યા હતા
જયારે હૃદયનો દિપક જ બુઝાઈ ગયો, પછી માટીના કોડિયા શું કરવાના?
હું અનાથ બની ગયો હતો,
મને ખબર હતી કે તું આવવાનો નથી,
છતાંએ મારા પાગલ મન એ આશા ન છોડી,
તારી વાટ જોઈને બેસી રહ્યો,
ઘણી રાહ જોઈ, દિવસો, ઋતુઓ, વર્ષો વીત્યા...
દરેક શ્વાસમાં તારું સ્મરણ કર્યું,
દરેક ક્ષણમાં તારા ભણકારા સાંભળ્યા, પણ તું નાંજ આવ્યો...

એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે,
આજે પણ પવન, રાતરાણીની મહેક લઈને આવ્યો તો એ ક્ષણો યાદ આવી ગઈ,
ઝરમર વરસાદ પડ્યો, તો મારા આંખમાં ચોમાસું બેસી ગયું,
આજે તું નથી...બસ તારી યાદ સાથે છે,
બધાને જ્યારે ઝગમગતા દીવાઓ પ્રગટાવી મિષ્ટાન્ન વહેંચતા જોઉં,
ત્યારે મને અંધકાર અને કડવાશનો જ અનુભવ થાય છે
કેવી રીતે સમજાવું આ જગતને કે તારા વિના મને ચાલતું નથી?
તારા વિના બધુજ સુનું સુનું છે,
તારા વિના હું એકલો છું...

હંમેશા એકનું એક ઘૂંટણ તારી સામે કર્યા કરું છું,
પણ તને ફરક પડતો જ નથી,
તે દિવસથી આજ સુધી મારી એકજ અરજ છે,
મારું બધું ભલે કોઈ લઈ લે...પણ સામે
બસ એકવાર બસ એકવાર
તને જોવાનો અવસર આપી દે, પેટ ભરીને તને નિહાળવાનો અવસર આપી દે,
મારા દિલની વાત કહેવાનો મોકો આપી દે,
તારી સામે રડવાનો મોકો આપી દે,
તારા ખોળે મસ્તક ઝુકાવવાનો અવસર આપી દે,
તો મારા ભવભવની પ્રીત પૂરી થાય,
તો મારા જીવનની દરેક ક્ષણ ધન્ય બને,
અને આ દીપોત્સવી ખરા અર્થમાં ઉત્સવ બને

-અર્પિત શાહ

~~~~~


અમુક પંક્તિઓના ભાવભીના શબ્દો પૂ. પ્રશમરતિવિજયજી મહારાજા 'દેવર્ધિ' ની પુસ્તક, "સાધુ તો ચલતા ભલા" માંથી પ્રાપ્ત થયા છે.

Comments

  1. પ્રભુ! આવોને...

    હ્રુદિયાના દેવ! મુજ આંગણિયે પધારોને...



    કહે છે લોક પ્રભુ નિર્વાણ પામી ગયા,

    માનું ના હું એમ જરીકે લગાર...

    છોને પ્રાતિહાર્યો ને અતિશયો જાતા,

    મહાવીર તો મારા હ્રુદિયાના દેવ!

    જોને એ ધબકે એક એક શ્વાસમાં,

    એક એક કણમાં, સરાસર સૃષ્ટિમાં...



    સાત રાજ દૂર ભલેને લોક તમને માને,

    મારે તો સાવ ઢૂકડા હ્રુદિયાના દેવ!

    જ્યાં શુભ છે, જ્યાં શુદ્ધ છે,

    જ્યાં પાવન પ્રેમ છે, પરમનો એ પમરાટ છે,

    જ્યાં જ્યાં કરુણાની ભીનાશ ને

    મૈત્રીનો સ્નેહ છે, પ્રમોદની રેલમછેલ છે,

    ત્યાં ત્યાં છે મારા મહાવીર...



    એક એક બુઝ્ઝ બુઝમાં,

    એક એક ધર્મલાભમાં,

    એક એક ભીની ભીની વાચનામાં,

    હરેક આંગણની ચંદનાસી સમર્પિત ભાવમાં,

    ને પ્રત્યેક ગૌતમી વિનયી ગાનમાં...

    જોને એ મહાવીર જ તો છે!



    મહાવીર ક્યાં ગયા છે?

    ક્યાં જઈ શકે એ એના અંશોને છોડીને?

    મને ને તમને મહાવીર બનાવવા,

    અહીં જ છે, અહીં જ છે,

    અહીં જ તો છે મારા હ્રુદિયાના દેવ!



    આવો, પ્રગટાવીએ શ્રદ્ધાનો એક દીપ,

    પ્રસરાવીએ એની આજ્ઞાનો અજવાસ!

    ને નીખારીએ હ્રુદિયાના મહાવીર!

    ભલું રે ઉગે અમાસી આકાશે

    સ્વાનુભૂતિનું સોનેરી પ્રભાત!



    પ્રભુ! આવોને...

    હ્રુદિયાના દેવ! મુજ આંગણિયે પધારોને...

    ReplyDelete

Post a Comment

Popular Posts